Wednesday, October 28, 2020

કોણે બનાવ્યો પવન ચરખો kone banavyo pavan charakho

એ જી એના ઘડનારા ને પરખો‚
એ જી તમે નૂરતે સુરતે નિરખો‚
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

આવે ને જાવે‚ બોલે બોલાવે‚ જિયાં જોઉં ત્યાં સરખો‚
દેવળ દેવળ કરે હોંકારા‚ પારખ થઈને પરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ મીટયો અંધાર અંતર કો‚
ઈ અજવાળે અગમ સુઝે‚ ભેદ જડયો ઉન ઘરકો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

પાંચ તત્વ કા બનાયા ચરખા‚ ખેલ ખરો હુન્નરકો‚
પવન પૂતળી રમે પ્રેમ સેં‚ જ્ઞાની હોકર નીરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

રવીરામ બોલ્યાં પડદા ખોલ્યા‚ મેં ગુલામ ઉન ઘરકો
ઈ ચરખાની આશ ન કરજો‚ ચરખો નંઈ રિયે સરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
He ji ena ghadnara ne parakho
Ji re ram kone banavyo pavan charakho

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી He ji re lakha

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚
એ જી તમે મન રે પવનને બાંધો રે હાં…
હે જી રે લાખા ! નુરતે નીરખો ને સુરતે પરખો જી
તમે સુરતા શુન્યમાં સાંધો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…

હે જી રે લાખા ! નાદ રે બુંદની તમે ગાંઠ રે બાંધો
મૂળ વચને પવન થંભાવો રે હાં…
હે જી રે લાખા ! ઉલટા પવન થંભાવો એને સુલટમાં લાવો જી
એવી રીતે એક ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…

હે જી રે લાખા ! ઈંગલા પીંગલા સુષમણા રે સાધો જી
તમે ચંદ્ર સૂર્ય એક ઘરમાં લાવો રે હાં…
હે જી રે લાખા ! ત્રીવેણીનાં મોલમાં દેખો તપાસી જી
પછી જોતમાં જ્યોત મીલાવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…

હે જી રે લાખા ! અનભે પદને ઓળખાવાને માટે
તમે જ્યોત ઓળાંડી આઘા ચાલો રે હાં…
હે જી રે લાખા ! શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં
તમે અકતા ના ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…



He ji re lakha dhyan ma besine tame dhani ne aaradho ji
Gujarati Bhajan Lyrics

સોરઠી દુહા Sorathi Duha

હે સોરઠ સુરો ના સરજીયો , ના ચઢ્યો ગઢ ગીરનાર,
ના નાહ્યો ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર જી રે…. (૧)

હે સોરઠ સિંગલ દેશનો, અને જાત તણી પરમાર,
બેટી તો રાજા ઉમની , એને પરણ્યો રાય ખેંગાર જી રે ……..(૨)

હે સોરઠ સિંગલ દ્વીપની , અને તપસી ઉભો દ્વાર,
ભિક્ષા દિએ રાની સોરઠી, મારો સંગ ચાલ્યો કેદાર જી રે………(૩)

હે સોરઠ રાગ સોહામણો ને, મુખેથી કહ્યો નવ જાય,
જેમ જેમ ભાંગે રાતડી, તેમ તેમ મીઠો થાય જી રે ……………(૪)

હે હંસ ગતિ મૃગ લોચની, ને સજ્યા સોળે શણગાર,
રાધા તારા દેશમાં , અને વશ કર્યાં કિરતાર જી રે ……………..(૫)

હે સોરઠ વાસી દ્વારિકા, દેખી રે ઉકામ દેશ ,
મથુરામાં હરિ જનમિયા રે, વસ્યા સોરઠ દેશ જી રે ……………(૬)

હે સોરઠ પાક્યો આભલે, ને સુંડલો રહ્યો લોભાઈ,
ચાંચ તો પસારી પિયા કરે,રાજ રંગ ભિન કંઈ કંઈ જી રે………….(૭)

હે સોરઠ દેશ સોહામણો રે, ને મુજને જોયાના કોડ,
રત્નાકર સાગર ઘૂઘવે , ને રાજ કરે રણછોડ જી રે……………….(૮)

ઓઢી કાળી કામળીયુ લાલ ધાબળીયું, ફુલ છાબળીયું શીર પરે Odhi kali kamaliyu

ઓઢી કાળી કામળીયુ લાલ ધાબળીયું, ફુલ છાબળીયું શીર પરે,
હૈયે હેમ હાંસળીયુ માણેક મઢીયું, મોતીયે જળીયુ તેજ જરે,
પગ નુપુર કડલાં કાબીયું સોભયું, હેમની પોચીયુ હાથ પરે,
નવલાખાય લોબડીયાળીયું ભેળીયું મળીયુ મઢળે રાસ રમે
માડી મળીયુ મઢડે રાસ રમે...

કર ત્રિસુળવાળીયું પુરા પંજાળીયું, લાકડીયાળીયું એમ રમે,
ધન્ય ધિંગી ધજાળીયું આભ કપાળીયું, ભેળીયાવાળીયું એમ ભમે,
કર હેમની ચુડીયુ પાળીયું તાળીયું, ગાળીયું જાળીયું નભ ગજે...
માડી નાક નથળીયું, કાન અકોંટીયું, ભાલ ટીલળીયું બહુ મુખે,
ઝળળળ જબુકીયું જાણ્ય અષાઢીયું, વાદળ કઢીયું વિજળીયું,
ફરે ફેર ફુદળીયું દશ્યુય ઢળીયું, જાણે વાલપની માડી વેલડીયું...
માત મિણલ નાગલ કાગલ, રાજલ મોગલ પીઠડબાઇ મળી,
માત કરણી જીવણી બાલવી બલાડ, બુટ ભવાનીય સાથ ભળી,
વળી વિપળી દેવલ હોલ વરવડી, ખમ્મા ખમ્મા ખોડીયાર રમે....
માડી શેષ મહેશ ગુનેશ દિનેશ, સુરેશ હુય દેવોય ધ્યાન ધરે,
એમાં અપ્સર ગંધર્વ કિન્નર ચારણ, નારદ મુનિય ગાન કરે,
ૠષિ અત્રી દધિચિ અગત્સ્ય, વશિષ્ઠ પરાસર મુનિ પાય પડે...
જબ્બર જોરાળીયું જોગ જોરાળીયું, રંગ રઢાળીયું રાસ રમે,
નવ રાત નવેલીયું બુઢીયું બાળક, સંગ સાહેલીયું સાથ રમે,
માડી મઢળે આવીને ચારણ 'લાખણ', સોનલમાને પાય નમે...

Odhi kali kamaliyu lal dhabliyu ful chhabaliyu shir pare
Navlakhay lobadiyaliyu bheliyu maliyu madhade raas rame

જેને મળે ધણી મોટો રે Jene male dhani moto re

જેને મળે ધણી મોટો રે, તેને શું રહે તોટો,
ભલે હોય જાતે છોટો રે, 
જોતાં નાવે તેનો જોટો રે...જેને...ટેક.

જુવો સુદામો વિપ્ર જાતનો, દુ:ખી હતો બહુ દીન,
કંચલ મહેલ બન્યા સુખકારી, પ્રભુ મળ્યા પ્રબીન,
કશબી થયાં કપડાં રે, પેરવા નોતો લંગોટો... જેને...૧

પાંચ હતા પાંડવના પુત્રો, શત કૌરવ શૂરવીર,
ભારત અંતે પ્રભુ થયા ભેરુ, સુન્દર શ્યામ શરીર,
જુવો ધર્મ જીત્યો રે, ખરો રિપુ થઈ ગયો ખોટો... જેને...૨

કળજુગમાં નરસી મહેતાના, કૈક સુધાર્યા કાજ,
પુત્રીના મામેરાં પૂર્યા નાથ, ગરીબનિવાજ,
હેમની હાથે ઝારી રે, પીવા નોતો જળનો લોટો... જેને...૩

ભક્તિ કરજો ભાવથી, તૃષ્ણાનો કરજો ત્યાગ,
ઈશ્વર પૂરે મનની ઈચ્છા, રહે સદા રંગરાગ,
પિંગલ દેયું પડશે રે, પાણી કેરો પરપોટો... જેને...૪

Jene male dhani moto re tene shu rahe toto
Bhale jat hoy jate chhoto re
jota naave tene joto re

મઢીમેં તખત પર મેરી ધુન અખંડ madhi me takhat par meri dhun akhand

મઢીમેં તખત પર મેરી ધુન અખંડ
ચીદાનંદ સ્વરૂપ જ્યાં આત્મા અસંગ – મઢીમેં (૧)

નિરાકાર રૂપ જ્યાં નિર્ગુણ ન્યારા
જ્ઞાન પ્રકાશ જ્યાં નુર અપારા
અમૃત ધારા વહે ગરજે ગગન – મઢીમેં (૨)

ઢોલ નગારા ઘંટ રણકારા
વેણું જાલરના સુર લાગે પ્યારા
શહેનાઈ બંસરી સાથે બાજે મૃદંગ – મઢીમેં (૩)

પુર્ણ બ્રહ્મ જ્યાં શેષ નહિ માયા
આખા વિશ્વમાં એના અજવાળા
સદગુરુએ કરાવ્યા અમને એનાથી સંબંધ – મઢીમેં (૪)

સત્ય ભજન એક અમર ધારા
કોને કહુ આ અનુભવ અમારા
કહે નાથા ભગત રહું મગન હી મગન – મઢીમેં (૫)

madhi me takhat par meri dhun akhand
Chidanand svarup jya aatma asang

કાચબા-કાચબીનું ભજન Kachaba Kachbi ni bhajan

કાચબો કહે છે કાચબીને તું રાખની ધારણ ધીર
આપણને ઉગારશે વહાલો જુગતેશું જદુવીર
ચિંતા મેલી શરણે આવો રે
મરવા તુંને નહિ દે માવો રે

વારતી'તી તે સમે તેં શા વાસ્તે મારું કેમ ન માન્યું કે'ણ
હવે નથી કોઈ આરો વારો થયા પૂરા આયખાના ખેલ
પ્રભુ તારો ન આવ્યો પ્રાણી રે
માથે આવી મોત નિશાની રે

અબળાને એતબાર ન આવે કોટી કરોને ઉપાય
કહ્યું ન માને કોઈનું રે એ તો ગાયું પોતાનું ગાય
એવી તો વિશ્વાસવિહોણી રે
પ્રથમ તો મત્સ્યની પોણી રે

કાચબી કહે છે ક્યાં છે તારો રાખણહારો રામ
હરિ નથી કોઈના હાથમાં રે તમે શું બોલો છો શ્યામ
મરવા ટાણે મતિ મુંઝાણી રે
ત્રુટ્યા પછી ઝાલવું તાણી રે

ત્રિકમજી ત્રણ લોકમાં મારે તારો છે એતબાર
અટક પડી હરિ આવજો રે મારા આતમનો આધાર
છોગાળા વાત છે છેલ્લી રે
ધાજો બુડ્યાના બેલી રે

કાચબી કહે છે કોણ ઉગારે જાતો રહ્યો જગદીશ
ચારે દિશાથી સળગી ગયું તેમાં ઓરીને વિચોવીચ
જેનો વિશ્વાસ છે તારે રે
એનો એતબાર ન મારે રે

બળતી હોય તો બેસને મારી પીઠ ઉપર રાખું તારા પ્રાણ
નિંદા કરે છે નાથની રે એ તો મારે છે મુજને બાણ
વહાલો મારો આવશે વ્હારે રે
ઓર્યામાંથી ઉગારવા સાટે રે

કાચબી કહે છે કિરતાર ન આવ્યો આવ્યો આપણો અંત
પ્રાણ ગયા પછી પહોંચશે રે તમે શું બાંધો આશનો તંત
આમાંથી જો આજ ઊગરીએ રે
પાણી બાર કદી ન પગ ભરીએ રે

વિઠ્ઠલજી મારી વિનંતિ સુણી શામળા લેજો સાર
લીહ લોપાશે લોકમાં રે બીજે જાશો કોની વહાર
હરિ મારી હાંસી થાશે રે
પરભુ પરતીતિ જાશે રે

કેશવજીને કરુણા આવી મોકલ્યા મેઘ મલ્હાર
આંધણમાંથી ઉગારિયો આવી કાચબાને કિરતાર
ભોજો કે છે ભરોંસો આવશે જેને રે
ત્રિકમજી મારો તારશે તેને રે

એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚પટોળી આ પ્રેમની He ji eno vananaro vishambhar nath patoli aa prem ni

એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚પટોળી આ પ્રેમની… 
હાં હાં રે પટોળી પ્રેમની…

સત જુગમાં વણ વાવિયાં‚ ઊગ્યા ત્રેતા માં ય‚
દ્વાપરમાં એને ફળ લાગ્યાં‚ એ જી રે એમાં કળિયુગમાં ઊતર્યો કપાસ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

સતના ચરખે લોઢાવિયાં‚ પ્રેમની પિંજણે પિંજાય‚
સરખી સાહેલી કાંતવાને બેઠી ; એ જી રે એનો તાર ગયો આસમાન…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

બ્રહ્માજીએ તાર એના તાણિયા‚ શંકર જેવા વણનાર
તેત્રીસ કોટિ દેવ વણવા લાગ્યા‚ એ જી રે એમાં થઈ છે ઠાઠમ ઠાઠ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

આ પટોળી ઓઢીને ધ્રુવ પરમ પદ પામ્યા‚ વળી ઓઢી છે મીરાંબાઈ‚
જૂનાગઢમાં નાગર નરસૈયે ઓઢી‚ એ જી રે પછી આવી દયાને હાથ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

He ji eno vananaro vishambhar nath patoli aa prem ni 
Gujarati bhajan lyrics

મારી હાલ રે ફકીરી mari hal re fakiri

કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚મારી હાલ રે ફકીરી !
દેવાંગી વિનાનું બીજું કોણ તો જાણે…
માલમી વિનાનું બીજું કોણ તો જાણે…
મારી હાલ રે ફકીરી…

જળની માછલિયું અમે પવને સંચરિયું રે‚
ખરી રે વરતી રે મારી લગીરે ન ડોલે…
મારી હાલ રે ફકીરી…

કાચનાં મોતીડાં અમે હીરા કરી જાણશું રે‚
અઢારે વરણમાં મારા હીરલા ફરે…
મારી હાલ રે ફકીરી…

ચોરાશી સિદ્ધની ધૂણી પરબે બિરાજે રે‚
સમરથ પુરુષ ભેળા રાસ રમે…
મારી હાલ રે ફકીરી…

પરબે જાઉં તો પીર શાદલ મળિયા રે‚
શાદલ મળ્યેથી મારાં નેણલાં ઠરે…
મારી હાલ રે ફકીરી…

ભગતિનો મારગ ઓલ્યા નુગરા શું જાણે રે‚
સમજ્યા વિનાના ઈ તો નોખાં નોખાં તાણે…
મારી હાલ રે ફકીરી…

દેવાંગી પ્રતાપે સતી અમરબાઈ બોલ્યાં રે‚
સમરથ સેવે તો રૂડી સાનું મળે…
મારી હાલ રે ફકીરી…

Kon to jane biju kon to jane mari hal re fakiri gujarati bhajan santvani shabdo lyrics

હ્રદય મા વસ્તુ છે અણમોલી Hriday ma vastu chhe anmoli

હ્રદય મા વસ્તુ છે અણમોલી, 
તારા ઘટ મા પીયુ બીરાજે તુ અંતર પટ જો ખોલી.... 
હ્રદય મા

સંત સમાગમ નીસદીન કરીયે,
સાંભળી એ શુધ્ધ બોલી.
સજ્જન કેરા સંગ મા ભાઈ,
પ્રગટે પ્રેમ ની હોળી..... 
હ્રદય મા વસ્તુ છે

સંત સમશેર લઈ ને માર જો,
પાંચ પચીસ ની ટોળી.
શુધ્ધ શબ્દો સંતો ના ભાઈ
પીજો ઘોળી ઘોળી.... 
હ્રદય મા વસ્તુ છે

ગુરુ કરી ને ગુરુ ચરણ માં રેજો,
શબ્દ ને લેજો તોળી
દાસ સતાર સદગુરુ પ્રતાપે
તો વાગે જ્ઞાન ની ગોળી.... હ્રદય મા વસ્તુ છે

Hriday ma vastu chhe anmoli Tara ghat ma biraje tu antar pat kholi jo

કહે હીરસાગર સુણો હરિજનો Kahe hirsagar suno harijano

આ કહે હીરસાગર સુણો હરિજનો ,નામ નિરંજન હૈ ન્યારા
જે નામે આ સૃષ્ટી રચાણી રચાયા સર્વે બ્રહમાંડા ........
કહે હીરસાગર સુણો હરિજનો


દેવી દેવતા એ નામ થકી છે નામ થકી શાસ્ત્ર પુરાણા
નામ થકી ચંદ્ર ને સુરજ નામ થી દસ અવતાર ........
કહે હીરસાગર સુણો હરિજનો


નામ થકી અનેક સંતો।,ગ્રહી નામ આધારા
પીર પયગમ્બરો તીર્થકરો ,નામ ક સોઈ વિસ્તારા ........
કહે હીરસાગર સુણો હરિજનો


નામ રૂપ ગુણ થી આગે પોતે ,સતનામ કિયા વિચારા
જે નામ અનામી પાયા ઘટ મેં નિરંતર હૈ નિરાધારા ........
કહે હીરસાગર સુણો હરિજનો


નામ પાયા સતગુરુ ચરણ સે હુવા જીવ નીસ્તારા
હીરસાગર હરી પ્રગટ દેખ્યા ,સદગુરુદેવ દીદારા ........
કહે હીરસાગર સુણો હરિજનો

Kahe hirsagar suno harijano Nam niranjan hai nyara

સાચા સતગુરુ તારણહાર તમોને વંદન વારંવાર Sacha satguru taranhar tamone vandan varamvar

સાચા સતગુરુ તારણહાર તમોને વંદન વારંવાર
મારા જીવન ના આધાર તમોને વંદન વારંવાર

બ્રહ્મા વિષ્ણુ મહેસ જેવા
સમજી કરીએ આપની સેવા
મનમાં શંકા નહિ તલભાર તમોને વંદન વારંવાર


આપે ખોલી અંતર ની બારી
સહેજે મળ્યા દેવ મુરારી
ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર

સેવા સમરણ કાયમ આપો
દાસ જાની અંતર માં સ્થાપો
આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર

લાલ ત્રંબક જશ ગુણ ગાવે
જનમ મરણ પાતક માં ના આવે
આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર

Sacha satguru taranhar tamone vandan varamvar

પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે Pritam var ni chundadi Mahasanto vorvane maliya re



પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે ;
જે રે ઓઢે તે અમ્મર રે’વે‚ અકળ કળામાં જઈ ભળિયા રે…
પ્રીતમ વરની..

પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે ;
ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ ચોઈ દશ ચમકી વીજીળયું રે…
પ્રીતમ વરની..

વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે ;
આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…
પ્રીતમ વરની..

વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે ;
જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુએ વણિયું રે…
પ્રીતમ વરની..

સોય લીધી સતગુરુ સાનની‚ દશનામ દોરા એમાં ભરિયા રે ;
સમદ્રષ્ટિથી ખીલાવી ચૂંદડી‚ રંગ નિત સવાયા ચડિયા રે…
પ્રીતમ વરની..

મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે ;
માયાનો માણેકથંભ રોપિયો‚ ઉમંગની ખારેકું વેચાણિયું રે…
પ્રીતમ વરની..

શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સરતી સમરતી જાનડિયું રે ;
ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે વેલડિયું રે…
પ્રીતમ વરની..

હાકેમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે ;
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા‚ ઈ મારગે વૈંકુંઠ મળિયું રે…
પ્રીતમ વરની..

Pritam var ni chundadi Mahasanto vorvane maliya re

મસ્તી મેં મેંય મસ્ત બના હું ,અબ તો મેંય મદ માતા હું Masti me mey mast bana hu

મસ્તી મેં મેંય મસ્ત બના હું ,અબ તો મેંય મદ માતા હું,

જૂઠે ઝઘડે છોડ કે અબ તો, હરિ ભજન કો ગાતા હું.…(૧)

રાજા રંક ફકીર યા સાધુ, સબકો મિલને જાતા હું,

ગુરૂ કૃપા સે હાથ જોડકર, સબ કો શિશ ઝુકાતા હું.…(૨)

ભલા-બૂરા જો કોઇ કહે, પર ધ્યાન ન ઉસપે લગાતા હું,

યારો મેય હું દાસ તુમારા, યું કેહકર સમજાતા હું.…(૩)

'અબ્દુલ સતાર' હેય નામ મેરા, 'દાસ સતાર'કેહલાતા હું,

મેરા મુરશીદ હેય રંગીલા, યારો મંય રંગ રાતા હું.…(૪)


Masti me mey mast bana hu

ab to me mad mata hu

Satar Saheb Bhajan

સત સૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમઃ Sat Srushti tandav rachyita nataraj raj namo namah

સત સૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમઃ

હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો નમઃ
ગંભીર નાદ મૃદંગના, ધબકે ઉર બ્રહ્માંડમા
નિત હોત નાદ પ્રચંડના, નટરાજ રાજ નમો નમઃ
શિર જ્ઞાન ગંગા ચંદ્રમા, ચિદ્ બ્રહ્મ જ્યોતિ લલાટમા
વિષ નાગ માલા કંઠમા, નટરાજ રાજ નમો નમઃ
તવ શક્તિ વા માંગે સ્થિતા, હે ચંદ્રિકા અપરાજિતા
ચહુ વેદ ગાયે સંહિતા, નટરાજ રાજ નમો નમઃ

Sat Srushti tandav rachyita nataraj raj namo namah
he aadhya guru shankar pita nataraj raj namo namah

એવા ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં રે જી Eva ghodla chadanta re dithya ramapir na re ji

હે હરભૂજીને હૈયે હરખ અપાર રે હાં...

એવા ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં રે જી
હે એવા હેતે ને પ્રીતે હેજી ભાયું પરસ્પર ભેટયા રે જી
હે અને કીધી કસુંબાની મનવાર રે હાં...
એવી ભ્રાત્યુંને ભાંગીને હેજી હરભૂજી એમ બોલીયા રે જી
હે સુણ્યા અમે અમંગળ સમાચાર રે હાં...
એવા વચન વધાવે હેજી પડયા રામાપીરજી રે જી
હે અને નકલંક નેજાધારી અવતાર રે હાં...
આવા હરિનાં ચરણે રે "હરભૂજી" આવું બોલીયા રે જી
હે દેજો અમને તમારાં ચરણે વાસ રે જી

Eva ghodla chadanta re dithya ramapir na re ji
Ramapir Bhajan

સાચું પૂછો તો ઘટોઘટમાં ચિરાગ-એ-તૂર છે

 સાચું પૂછો તો ઘટોઘટમાં ચિરાગ-એ-તૂર છે;

દિવ્ય દ્રષ્ટિ એ જણાયે છતાં પણ દૂર છે
આત્મા અમર હોવા છતાં, આ દેહ તો ક્ષણ ભંગુર છે;
એ અનાદિ કાળનો એક ચાલતો દસ્તુર છે
અરે વિશ્વમાં આજે ઘણાં કહેણી તણા મજદૂર છે;
જ્ઞાનીઓ સમજો જરા, રહેણી વિના ઘર દૂર છે
સત્ત અનુભવ પામતા, શરમાઈ જાશો શેખજી;
એક અલ્લાહ છે, ત્યાં ના સ્વર્ગ છે ના હુર છે
જ્ઞાન દ્રષ્ટિ એ જુઓ તો, આત્મદર્શન પામશો;
દેહ નું બંધન જો રહ્યું તો જાણો મુક્તિ દૂર છે
લાખો જીવો ને હણવાથી, કહેવાઈએ શૂરવીર ના;
જે હણે ષડ રિપુ ને એ જ સાચો શૂર છે
લાખ યુક્તિએ છુપાવો, ખૂને નાહક ના છુપે;
મહેંદી નું એક એક પાનું જુઓ ખૂન થી ભરપુર છે
માટે વહેમ ભૂલી ને જુઓ, "સત્તાર" સાચા પ્રેમને;
પ્રેમ શૂરાપાનમાં પ્રેમીજનો ચકચુર છે

Sachu puchho to ghatoghat ma chirag e tur chhe
divya drashti ejanaye chhata pan dur chhe
Satar saheb gujarati bhajan

ભાગ કાળીંગા ભાગી જાને, હે તને ગુરુ દેવાંગી મારશે Bhag kalinga bhagi jane he tane guru devangi marshe

ભાગ કાળીંગા ભાગી જાને, હે તને ગુરુ દેવાંગી મારશે

દેવળ માથે જોને દેવળી, ત્યાં ઘેરા ઘેરા શંખ વાગશે;
ગદા પદમ શંખ ચક્ર લઇને, બાવો કાળીંગાને સંહારશે
ઉત્તર દક્ષિણ ને પૂર્વ પશ્ચિમ, ઉત્તરથી દળ આવશે;
મોટા મોટા મહા યોધ્ધા, હે ઘેરી ઘેરી તને મારશે
ત્રાંબા પિત્તળની હે બાવો ઘાણીયું માંડશે, એમાં લોઢાની લાઠીયું પુરાવશે;
તારી નાડીનાં તેલ કાઢીને, બાવો મશાલોમાં પુરાવશે
ગુરુ દેવાંગીનાં હે જોને પાટ આગળ, ઝળહળ જ્યોતું જલાવશે;
દેવાંગી પ્રતાપે "પીર સાદણ" બોલીયા, એ સતયુગ ફરી સ્થાપશે

Bhag kalinga bhagi jane he tane guru devangi marshe

વેળાનાં વછૂટ્યા રે હે ભવો ભેળા નહીં થઈએ Vela na vachhutya re he bhavo bhela nahi thaiye

વેળાનાં વછૂટ્યા રે હે ભવો ભેળા નહીં થઈએ

ભવથી વછૂટ્યા રે આપણે, કોઈ'દિ ભેળા નહીં થઈએ
આવી બેલડીયું રે બાંધીને રે, હે બેની બજારુંમાં મહાલતા રે;
ઈ બેલડીયે દગો દીધો મોરી સૈ
વેળાનાં વછૂટ્યા રે...
આ મહેરામણ માયાળુ રે, હે એના બચલાં મેલી હાલ્યો બેટમાં રે;
ઈ પંખીડે લીધી વિદેશની રે વાટ
વેળાનાં વછૂટ્યા રે...
આ હૈયા માથે હોળી રે, હે બેની ખાંતીલો ખડકી ગયો;
આવી ઝાંપે ઝરાળું લાગી રે, હે અગ્નિ ક્યાં જઈને હું ઓલવું રે
હે ઝરાળું બેની હે પ્રગટી પંડય ની માહીં
વેળાનાં વછૂટ્યા રે...
આવા "લખમો માળી" કહે છે રે, હે વડા ધણીને અમારી આ વિનંતી;
હે સાંભળી લ્યો હે ગરીબે નવાઝ
વેળાનાં વછૂટ્યા રે...

Vela na vachhutya re he bhavo bhela nahi thaiye
Bhav thi vachhutya re aapne koidi bhela nahi thaiye

મારું ચિતડું ચોરાયેલ રે, મારું મનડું હેરાયેલ રે Maru chitadu chorayel re

 મારું ચિતડું ચોરાયેલ રે, મારું મનડું હેરાયેલ રે

આ કોડીલા રે કુંવર કાન સે
આતો પ્રીતું છે પૂરવની, હેજી નવીયું નહીં થાય હે મારા નાથજી રે;
હે મૈં વારી જાઉં
છુપાવી નહીં રહે છાની, હે ભલે ને જાય આ શરીર રે;
હે ઓધાજી વાતું કોને અમે કરીએ
હે મારું ચિતડું...
આમાં દિવસ જાય છે દોહ્યલા કનૈયા વિનાનાં, હેજી જાણે જુગ જેવડા રે;
હે મૈં વારી જાઉં
રૂદન અમે કરતાં. હેજી રજની વીતી જાય રે
ઓધાજી વાતું કોને અમે કરીએ
હે મારું ચિતડું...
અરે ધીરજ કેમ ધરીએ હવે, વ્હાલીડા વિરહમાં હેજી વિસમે રે;
હે મૈં વારી જાઉં
આ વિરહ થી કરીને, હેજી તપે માંહ્યલા શરીર રે;
ઓધાજી વાતું કોને અમે કરીએ
હે મારું ચિતડું...
આતો "મોરાર" નાં સ્વામીને, હેજી ગોપીજન એમ વિનવે રે;
હે મૈં વારી જાઉં
દર્શન અમને દેજો પ્રભુજી, હેજી દીનનાં દયાળ રે
ઓધાજી વાતું કોને અમે કરીએ
હે મારું ચિતડું...

Maru chitadu chorayel re maru manadu harayel re
Kodilakuvar kanji re

સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં આમ કર્યો

 વાયુ વાદળ સૂરજ ચંદર, વ્યોમ ભોમ પાતાળ ની અંદર;

પછી ભલે હોય મસ્જીદ કે મંદર, પણ સત્ત તત્ત્વમાં તું જ નિરંતર
નિરાકાર છતાં સાકાર થઈ, તું ઠરી ઠરી પાષાણ ઠર્યો;
માટે કહે ને ઓ કરુણાનાં સાગર, આ પથ્થર પસંદ તે કેમ કર્યો
ભાવે સ્વભાવે નોખા ન્યારા, ફૂલ અને પથ્થર વચ્ચે અંતર;
કદી ફૂલ મરે પાષાણની નીચે, પણ તું ફૂલ નીચે પાષાણ મર્યો
પાષાણ નું હૈયું ખોલી, મંદિર ભરની મૂર્તિ ડોલી;
શિલાનો શણગાર સજી, સર્જનહાર હસી ઉછર્યો
સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં કેમ કર્યો !
રામ બનીને માનવ કુળમાં, હું આ જગત માં અવતર્યો;
ત્યારે ફૂલ ઢગ જે મેં કચર્યો, તે આજે મારે શિર ધર્યો
સીતાને લઈને, રાવણ જયારે લંકા પાર ફર્યો;
ત્યારે આ માનવ કોઈ મને કામ ન આવ્યા;
આ પથ્થરથી હું સામે પાર ઉતર્યો
સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં આમ કર્યો

Vayu vadal suraj chandar vyom bhom patal ni andar
Sambhalo mangamata maanav aa patthar pasand me aam karyo

હે વંદન વંદન આશાપુરા માતને Vandan Vandan Ashapura maat ne

હે વંદન વંદન આશાપુરા માતને
હે દેશ અને વિદેશમાં વિખ્યાત રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવી પોઠું રે આવી છે પરદેશથી;
હે મેઘલી માથે ઘોર અંધારી રાત રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવા તંબુ રે તાણ્યા તમારા ચોકમાં;
હે સપને આવી શેઠને કીધી શાન રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે ઝબકીને જાગી રે જોયું વાણિયે;
હે વળી વિચાર્યું કેમ આવે વિશ્વાસ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવું શ્રીફળ આપ્યું એંધાણીનું સોડમાં;
હે ચુંદડી ચોખા મૂક્યા મસ્તક પાસ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવી જાણી રે જાણી જનેતાને જાગતી;
હે આપ દીયો આ દાસને શું આદેશ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવા દેવચંદ બંધાવે માનાં દેવળો;
હે હામ ધરીને લોભ કર્યો નહીં લેશ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવા દેવળ બંધાવી ભોગળ ભીડીયા;
હે ખટમાસે મા પ્રગટ્યા આપો આપ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે એવા ચાંચર રમવાને રે માડી નિસર્યા;
હે દેવળ વાગે ઘેરી ઘેરી ડાક રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે મહાજન માને છે માની માનતા;
હે માને નમે યદુવંશ તણા ભૂપાળ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે કુળદેવી તું છો કચ્છ રાજની;
હે આઈ ફરે છે દેશ આખામાં આણ રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો
હે "ચંદુભા" ચરણ ૨જ આપની;
હે તારજો માડી જાડેજાની જાત રે કચ્છ દેશની દેવી
આશરો રે માંગુ આશાપુરા આઈનો

He eva Vandan Vandan Ashapura maat ne
 Kutchh Bhajan Ashapura mataji bhajan