Friday, March 8, 2019

ધાર્યું ધણીનું થાય પરંતુ,સત્ય કર્મ તું કરતો જા,

ધાર્યું ધણીનું થાય પરંતુ,સત્ય કર્મ તું કરતો જા,
સેવક બનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા.(૧)

તનથી મનથી વચનથી, સાચા સેવા કરજો ભાઈ,
સત્યમેવ જયતે આખર, તો એમાં શાની નવાઈ,
દયા ધર્મમાં નિશદિન રહેજો, નીડર થઈ વિચરતો જા,
સેવક માનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા.(૨)

યોગી તો પોતાનું કરતાં, ભક્ત તો દુ:ખમાં દુખિયાજી,
સુખ દુ:ખમાં છે સાથી સહુના, પ્રભુ નામમાં સુખીયાજી,
બે માર્ગ છે સમજી શાણા, મન ભાવે તે કરતો જા,
સેવક બનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા.(૩)

મરવું તો જીવવાનું છોડો, ને જીવવું તો પછી મરવું શું?
સમજુ શાનમાં સમજી જાશે, જન્મ ધરીને કરવું શું?
"દાસ સતાર" કહે કર જોડી, ભવસાગરને તરતો જા,
સેવક બનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા.(૪)

ગુરુજી દર્શન બિન જીયારા તરસે રે

ગુરુજી દર્શન બિન જીયારા તરસે રે!
મેરે નૈન ધાર જલ બરસે રે... ટેક

મૈં પાપન અવગુણકી રાશિ કૈસે કરે પ્રભુ નિજકી દાસી!
કાયા કંપત ડરસે રે...
         ગુરુજી દર્શન બિન...

પતિત ઉધારણ નામ તુમારા દિજે ચરણ સહારા!
દેખો દયા નજરસે રે...
          ગુરુજી દર્શન બિન...

શરણ પડી મૈં આય તુમારી માફ કરો અબ ભૂલ હમારી!
ભુજા ગહો નિજ કરસે રે...
          ગુરુજી દર્શન બિન...

તુમ બિન ઔર ન પાલક મેરા "બ્રહ્માનંદ" ભરોસા તેરા!
બિનતી કરું જિગરસે રે...
           ગુરુજી દર્શન બિન...

દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે

દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે...

તમે મને માયા લગાડી મારા વાલા,
એણે મને માયા લગાડી રે...

ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે...

માખણ નો ચોર મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે...
                   દ્વારીકા નો નાથ...

તમે મને માયા લગાડી મારા વાલા,
એણે મને માયા લગાડી રે...

સુદામા નો મિત્ર મારો દ્વારીકા નો નાથ છે,
એણે મને માયા લગાડી રે...

રાધા નો શ્યામ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે...

મીરા નો માધવ ગીરીધર ગોપાલ છે,
એણે મને માયા લગાડી રે...
                   દ્વારીકા નો નાથ...

તમે મને માયા લગાડી મારા વાલા,
એણે મને માયા લગાડી રે...

શબરી નો રામ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે...

માખણ નો ચોર મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે...
                   દ્વારીકા નો નાથ...

એવો ભરોશો જેને એક નામનો રે

એવો ભરોશો જેને એક નામનો રે
એને આંચ નો આવે લગાર...ટેક.

એવો ભરોશો રાખીયો ભક્ત પ્રહલાદે રે,
એજી થંભ માં દેખાણા મારા નાથ...
                       એવો ભરોશો...

એવો ભરોશો રાખીયો શબરીબાઇયે રે,
એજી વાલે આવી ખાધા એના એઠા બોર...
                       એવો ભરોશો...

એવો ભરોશો રાખીયો નરશૈયાયે રે,
વાલે મારે કુવરબાઈના મામેરા ભરીયા હાથોહાથ...
                       એવો ભરોશો...

એવો ભરોશો રાખયો મારાંબાઈયે રે,
વાલે મારે ઝેર પીધા જાણી રે...
                       એવો ભરોશો...

એવો ભરોશો "નામદેવને" નગાલાખાબાપાનો રે,
જેને ભરોશો રાખ્યો એની લાજ રાખી રે...

વાયક આવ્યા સંતો બે જણ ના રે

વાયક આવ્યા સંતો બે જણ ના રે, ત્રીજા કેમ તો જવાય રે
શબ્દોના બાંધ્યા સંતો કેમ રહીયે હાં...

પૂરે પૂરા સાધ અમને કોઈ મળિયા, વાયક આવિયા
હે પંથ રે ઘણો ને જાવું હવે સાવ એકલું, પાળા કેમ તો જવાય રે
આવા વચનો ના બાંધ્યા સંતો કેમ રહીયે હાં...

સોનલા કટારી સતીએ કર લીધી, ઉપાડી નાખી એને પેટ રે
કૂખ રે વધેરી કુંવર જનમીયા, જન્મ્યાં માજમ રાત રે
શબ્દો ના બાંધ્યા....

હીર ની દોરી નો બાંધ્યો હીંચકો, બાંધ્યો આંબા કેરી ડાળ
પવન રે હિંચોળા ધણી નાખશે, રક્ષા કરે દીનોનાથ રે
શબ્દો ના બાંધ્યા....

બેન રે પાડોશણ હું વિનવું, રોતા રાખે નાના બાળ રે
આજ અમારે જાવું રે ધણી ને વાયકે રે, તારા દઇશું જોને જુહાર રે
શબ્દો ના બાંધ્યા....

ત્યાંથી સતી તોરલ ચાલીયા, આવ્યા વનની મોજાર રે
વનમાં વસે રે એક વાંદરી, દીયે જોને મોટેરા ઠેક રે
હે એવા ઉરમાં વળગાડી તારા બચલાં, લાગે જોજે ભૂલથી નહીં ચોટ રે
શબ્દો ના બાંધ્યા....

મારા રે બચલાં મારી ઉરમાં, તોરી રાણી તારા તું સંભાળ
હે એવા કોળિયા અન્ન કેરા એવે કારણે, પુત્ર જોને બાંધ્યો આંબા ડાળ રે
શબ્દો ના બાંધ્યા....

પુત્ર ને સંભારી પાનો ઉપડ્યો, અંગડામાં વ્યાપી એને પીડ રે
એવા કાન રે આડા સતીનાં એણે કર ધર્યા, પડતા છાંડ્યા એણે પ્રાણ રે
શબ્દો ના બાંધ્યા....

ઠાંઠડી ઉપાડી જેસલ ચાલીયા, આવ્યા ધણી કેરે દ્વાર
હેજી સામા રે મહેલ મારા નાથનાં, હે દિપક રચીયા જોને ચાર
શબ્દો ના બાંધ્યા....

ગતમાં ગાંઠડી ઉતારીને, ઊઠો તમે તોરલ દે નાર
હે એવા તમે રે જાગે તે જામો જામશે, ગત માં થાશે જયજયકાર
"સાંસતિયા કાઠી" ની આવી વિનંતી, સુતા જાગો તોરલદે નાર રે
શબ્દો ના બાંધ્યા....

હંસ હતાં તે હાલ્યા ગયા, મરીને દીધાં માંગ

હંસ હતાં તે હાલ્યા ગયા, મરીને દીધાં માંગ,
અભાગી જીવ અનેક જે, કુટીલ હરદાનાં કાગ;
કુટીલ હરદાનાં કાગ, સંગત ક્યાં જઈ કરીએ,
વરતીને વૈરાગણ કરીને મરત લોકમાં ફરીએ;
શબદ પારખું ભેટશે તે'દી લેશે ભગતિમાં ભાગ,
"સવો" કહે સંત હાલ્યા ગયા, મરીને દીધાં માંગ.

કહે રે ભરતજી મૂઈ નહીં માતા

કહે રે ભરતજી મૂઈ નહીં માતા
રામ લક્ષ્મણ દોનો વન કૈસે જાતા રે
કહે રે ભરતજી...

જનની તારી જીભ ન ચૂકી;
રાજા દશરથની આયુષ્ય ખૂટી રે
કહે રે ભરતજી...

આ રે અયોધ્યામાં અનર્થ કીધું;
રામ લક્ષ્મણને મા તે ભવ દુ:ખ દીધું રે
કહે રે ભરતજી...

આ રે અયોધ્યામાં અનર્થ થાશે;
રામ લક્ષ્મણ વિના અયોધ્યા કેમ તો રહેવાશે
કહે રે ભરતજી...

કહે "તુલસીદાસ" આશા ૨ઘુવીર કી;
રામ વિના ભરતજી સુમીરન રોવું રે
કહે રે ભરતજી...

મુખડાં ની માયા લાગી રે

મુખડાં ની માયા લાગી રે....
      સદગુરુ મારા મુખડાં ની માયા લાગી રે....(૨)

મુખડું મેં જોયું તારૂં,સર્વે જગ થયું મારૂં,
મન મારૂ રહ્યું ન્યારૂં રે....
   સદગુરુ મારા, મુખડાં ની...

સંસારીનું સુખ એવું,ઝાંઝવા ના નીર જેવું,
તેનેતુચ્છ કરી દેવું રે...
સદગુરુ મારા, મુંખડા ની...

સંસારીનું સુખ કાચું,પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ જાંચું રે...
સદગુરુ મારા, મુંખડા ની...

પરણું તો પ્રીતમ પ્યારો,અખંડ સૈભાગ્ય મારો,
મેં તો કરસાયો તારો રે...
સદગુરુ મારા, મુંખડા ની...

કમલેશ બલિહારી,આશા મુને એક તારી
સંસાર થી રહી ન્યારી રે...
સદગુરુ મારા,મુંખડા ની...